- પૂર્વભૂમિકા (Introductions):
પ્રત્યેક વ્યક્તિને પોતાનું આગવું અને વિશિષ્ટ વ્યક્તિત્વ હોય છે. આ વ્યક્તિત્વ આની લોકોને પ્રભાવિત કરે છે. આજે વ્યક્તિત્વનું મહત્ત્વ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. સામાજિક જીવન જેમ જેમ જટિલ બની રહ્યું છે, તેમ તેમ સ્પર્ધાઓ અને સમસ્યાઓ વધી રહી છે. તેની સાથે વ્યક્તિત્વનું મહત્ત્વ પણ વધી રહ્યું છે. આપણે આપણાં રોજિંદા જીવનવ્યવહારમાં ‘વ્યક્તિત્વ’ શબ્દનો ખૂબ જ છૂટથી ઉપયોગ કરીએ છીએ. દા.ત. ‘મનીષભાઇનું વ્યક્તિત્વ અદ્દભૂત છે’, ‘મનોજનું વ્યક્તિત્વ આકર્ષક છે’, ‘સંદીપમા તો વ્યક્તિત્વ જેવુ કશું જ નથી’ વગેરે. સામાન્ય રીતે વ્યક્તિના બાહ્ય દેખાવ, શરીરનું બંધારણ, ચહેરાની સુંદરતા કે મોહકતાને આધારે અથવા તો વ્યક્તિ અન્ય વ્યક્તિઓ પર કેવી છાપ કે પ્રભાવ પાડે છે તેના આધારે વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરીએ છીએ.
- વ્યક્તિત્વ એટલે શું? (What is Personality?)
વ્યક્તિત્વ માટે અંગ્રેજીમાં 'Personality' શબ્દ વપરાય છે. 'Personality' શબ્દ મૂળભૂત રીતે લેટિન ભાષાના 'Persona' શબ્દ પરથી ઉતરી આવેલો છે. 'Persona' એટલે મુખવટો, બુરખો,
મહોરું. પ્રાચીન રોમન નાટકોમાં રંગમંચ પર અભિનેતાઓ પોતાના પાત્રને ભજવવા માટે તથા પાત્રને યોગ્ય ઓળખ આપવા માટે ચહેરા પર મુખવટો કે મહોરું પહેરતા હતા. જેથી પ્રેક્ષકોને જે તે પાત્રની વર્તનશૈલી અને વ્યક્તિત્વને સમજવામાં મદદ મળતી હતી. જેમ કે.. રાજારાણી,
ખલનાયક, વિદૂષક
વગેરે પોતાનાં મહોરાં પહેરી પાત્ર ભજવતાં અને પોતાના પાત્રને
અનુરૂપ અવાજો કાઢતાં.
'Personality' શબ્દની વ્યુત્પત્તિને આધારે તેનો અર્થ એ રીતે આપવામાં આવતો કે "વ્યક્તિત્વ એટલે વ્યક્તિનું
એવું પાસું કે જેને બીજાઓ સરળતાથી જોઈ શકે છે અને તેની છાપ બીજાઓ પર ઝડપથી પડે છે.” જોકે આધુનિક મનોવૈજ્ઞાનિકો 'Personality'નો મુખવટા કે મહોરાં સાથે સંબંધિત અર્થને વ્યક્તિત્વ તરીકે સ્વીકારતા નથી.
કારણ કે વ્યક્તિત્વ એ કોઈ ફક્ત એક લક્ષણ નથી. વ્યક્તિત્વ વ્યક્તિ સમક્ષ આવી પડેલ પરિસ્થિતિમાં તે શું કરશે તે અંગેની આગાહી કરવાની ક્ષમતા આપે છે. વ્યક્તિત્વ એ વાતાવરણ પ્રત્યે ટેવગત અનુકૂલનનું તંત્ર છે.
જાણીતા મનોવૈજ્ઞાનિક માર્ક મેના મતે “વ્યક્તિત્વ એટલે વ્યક્તિનું સામાજિક ઉદ્દીપક મૂલ્ય.” જોકે પ્રત્યેક વ્યક્તિનું સામાજિક ઉદ્દીપક મૂલ્ય સમાન હોતું નથી.
ભિન્ન ભિન્ન વ્યક્તિઓનું સામાજિક મૂલ્ય અલગ અલગ હોય છે. આથી વ્યક્તિના સામાજિક ઉદ્દીપક મૂલ્યની જગ્યાએ વ્યક્તિની વર્તન કરવાની કે પ્રતિક્રિયા કરવાની આગવી ભાતને વધારે
મહત્ત્વ આપવામાં આવે છે. એટલે જ તો કેટલાક મનોવૈજ્ઞાનિકો જણાવે છે કે “વ્યક્તિત્વ એટલે વ્યક્તિની
આગવી રીતે પ્રતિક્રિયાઓ આપવાની ભાત (Pattern)નું બંધારણ.”
જોકે અહીં એક બાબત યાદ રાખવી ખૂબ જ જરૂરી છે કે વ્યક્તિને સમજવા માટે ફક્ત બાહ્ય વર્તન કે પ્રતિક્રિયાઓ પૂરતી નથી. વ્યક્તિના આંતરિક માનસિક પાસાંઓ,
લાગણી, આવેગ, પ્રેરણાઓ વગેરેને નજર અંદાજ કરી શકાય નહીં. વ્યક્તિના વ્યક્તિત્વમાં બાહ્યની સાથે આંતરિક માનસિકતંત્રનું પણ મહત્ત્વ રહેલું છે. આથી આપણે કહી શકીએ કે વ્યક્તિત્વના લૌકિક કે ઉપરછલ્લા અર્થ કરતા તેનો મનોવૈજ્ઞાનિક અર્થ ઘણો જુદો પડે છે.
જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ
વ્યક્તિત્વની સમજૂતી પોતાની રીતે આપવાના પ્રયત્નો કર્યા છે. વ્યક્તિત્વની કેટલીક મહત્ત્વપૂર્ણ વ્યાખ્યાઓ નીચે પ્રમાણે છે.
“વ્યક્તિત્વ
એટલે વ્યક્તિના મનોશારીરિક તંત્રોનું એવું ગત્યાત્મક સંગઠન કે જે વ્યક્તિના પોતાના વાતાવરણ સાથેના સમાયોજનને નિર્ધારિત કરે છે.”
- જી. ડબલ્યુ. ઓલપોર્ટ
(વ્યક્તિત્વની 50મી વ્યાખ્યા)
“વ્યક્તિત્વ
એ વ્યક્તિનું વાતાવરણ સાથેનું લાક્ષણિક, નિરાળું અને સુસંવાદિત સમાયોજન
છે.”
- લોરેન્સ સેફર
“વ્યક્તિત્વ
એ પોતાને અને પોતાના અનુભવોને લાક્ષણિક રીતે પ્રતિક્રિયા આપતું ગતિશીલ સંગઠન છે.”
- સોરેન્સન અને મામ
“વ્યક્તિત્વ
એટલે વ્યક્તિનાં મનોશારીરિક બંધારણો, વર્તનશૈલી, અભિરુચિઓ, મનોવલણો, શક્તિઓ અને અભિયોગ્યતાઓનું લાક્ષણિક સંગઠન.''
- એન. એલ. મન
“વ્યક્તિત્વ એટલે વ્યક્તિના વિશિષ્ટ, વૈચારિક,
ભાવાત્મક અને શારીરિક પ્રતિભાવોનું વિશિષ્ટ કે લાક્ષણિક સંગઠન.”
- કાટ્સ અને શેન્ક
“વ્યક્તિત્વ
એટલે વ્યક્તિના વિચારો અને આવિષ્કારો, મનોવલણો અને અભિરુચિઓ, તેની આગવી વર્તનશૈલી અને જીવન ફિલસૂફી, આ બધાં દ્વારા પ્રગટ થતું
સમગ્ર સ્વરૂપ.”
- વુડવર્થ
ઉપરોક્ત વ્યક્તિત્વની વિવિધ વ્યાખ્યાઓને આધારે વ્યક્તિત્વની સર્વસામાન્ય વ્યાખ્યા આપતા કહી શકાય કે "વ્યક્તિત્વ એટલે વિભિન્ન પરિસ્થિતિઓમાં અને સમયગાળાઓમાં ઊપજતી વ્યક્તિની વર્તનતરેહોમાં અનોખા અને સાપેક્ષ રીતે સ્થાયી થયેલા લક્ષણોનું સંગઠન."
No comments:
Post a Comment