- શિક્ષણ (શીખવું) એટલે શું? (What is Learning?)
શીખવું
એ માનવવર્તનની મૂળભૂત પ્રક્રિયા છે. શીખવું એ વ્યક્તિના વર્તનમાં આવતાં પરિવર્તનો
સૂચવે છે. આથી કહી શકાય કે શિક્ષણની પ્રક્રિયા ઘણી જટિલ પ્રક્રિયા છે. આ
પ્રક્રિયાને સમજાવવા માટે મનોવૈજ્ઞાનિકોએ શિક્ષણની વ્યાખ્યાઓ આપી છે, જે નીચે મુજબ છે.
“શિક્ષણ એટલે પૂર્વ અનુભવ કે મહાવરાને પરિણામે માનવી અને પ્રાણીઓના વર્તનમાં વત્તા-ઓછા પ્રમાણમાં થતો સાપેક્ષ, કાયમી ફેરફાર.”
- સી. ટી. મોર્ગન.
"શિક્ષણ એ વર્તનમાં ફેરફાર કરવાની અને કરેલા ફેરફારને કાયમી બનાવવાની
પ્રક્રિયા છે.”
- જી. ડી. બોઝ.
"શિક્ષણ એટલે અનુભવ દ્વારા વર્તનમાં થતું પરિવર્તન"
- ગ્રેટસ.
"શિક્ષણ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા આપણે આપણી પ્રતિક્રિયાઓનું
નવીન વર્તનમાં સંકલન કરીએ છીએ."
- એચ.ઈ. ગેરેટ.
ટૂંકમાં
શિક્ષણ જ્ઞાન અને તથ્યોના સંકલન તથા ચિંતન તેમજ સૂઝના આધારે વર્તનમાં પરિસ્થિતિ
અનુરૂપ પરિવર્તન તથા કૌશલ્ય ઉત્પન્ન કરે છે. શીખવાની પ્રક્રિયામાં ત્રણ બાબતો ખૂબ મહત્ત્વ ધરાવે છે.
i. વર્તનમાં ફેરફાર.
ii. પૂર્વ અનુભવ અને મહાવરો.
iii. સાપેક્ષ કાયમી ફેરફાર
માનવી કે પ્રાણી જે કંઈ પણ શીખે છે ત્યારે તેના વર્તનમાં ફેરફાર થાય છે. તેમના વર્તનમાં થતા ફેરફારો જો પૂર્વ અનુભવ અને મહાવરાના કારણે થયા હોય તો તેને શિક્ષણ કહી શકાય.
- શિક્ષણ (શીખવા)નું સ્વરૂપ (Nature of learning):
શિક્ષણ
એટલે શું? જેમાં આપણે વિવિધ વ્યાખ્યાઓની ચર્ચા કરી. તેના આધારે શીખવાની પ્રક્રિયાનું
સ્વરૂપ સ્પષ્ટ થાય છે, જે નીચે મુજબ છે.
1.
અનુભવ
અને
મહાવરાનું પરિણામ
2.
વર્તનમાં ફેરફાર.
3.
સાપેક્ષ
કાયમી ફેરફાર.
ઉપરોક્ત મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા નીચે મુજબ છે.
1. અનુભવ અને મહાવરાનું પરિણામ :
શીખવાની ક્રિયામાં અનુભવ કે મહાવરા દ્વારા પરિવર્તન આવે છે. એટલે જો પ્રાણી કે માનવીના વર્તનમાં અનુભવ, મહાવરો
કે તાલીમના લીધે પરિવર્તન ન આવે તો તેને શિક્ષણ ગણી શકાય નહીં. દા.ત. પરિપક્વતા, શારીરિક ઈજા કે રોગ, થાક વગેરેને કારણે આવતાં
પરિવર્તનોને મનોવિજ્ઞાન શિક્ષણ તરીકે સ્વીકારતું નથી. વર્તનમાં
પરિવર્તન કે ફેરફાર કરવામાં ભૂતકાળના અનુભવો મદદરૂપ બને છે. શિક્ષણ ક્રિયાનું હાર્દ પૂર્વ અનુભવોનો ફાયદો ઉઠાવી કે તેનું સંકલન કરી, નવીન અનુભવોને સમજવાની ક્રિયામાં રહેલું છે. વ્યક્તિ
કોઈપણ શિક્ષણ પ્રાપ્ત કરે છે તેમાં તેનો પૂર્વ અનુભવ કે શિક્ષણ માટેનો મહાવરો
જોડાયેલો હોય છે. દા.ત. છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ શીખે છે કે વહેલી સવારે બેલ વાગે છે તો
તેનો અર્થ એવો થાય છે કે હવે આપણે ઊઠી જવાનું છે. અમુક
કાર્યો ચોક્કસ રીતે કરવાના વારંવારના અનુભવો તેનામાં ટેવોનું ઘડતર કરે છે.
ગુજરાતીમાં એક કહેવત છે કે "દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ." આ બાબત બતાવે છે કે વ્યક્તિ પૂર્વ અનુભવને કારણે ઘણું શીખે છે અને વર્તમાન વર્તનમાં પરિવર્તન લાવે છે, જેને આપણે શિક્ષણ કહીએ છીએ. સતત મહાવરા કે તાલીમને પરિણામે પણ વ્યક્તિ શિક્ષણ પ્રાપ્ત કરે છે. દા.ત. ગણિતનો એક કોયડો ઉકેલવા માટે વ્યક્તિ વારંવાર પ્રયત્નો કરે છે, અન્યોની મદદ લે છે અને અંતે કોયડો ઉકેલતા શીખી જાય છે, તો તેને પણ શિક્ષણ કહી શકાય.
2. વર્તનમાં ફેરફાર:
વર્તનમાં ફેરફાર થવો એ
શિક્ષણનું અગત્યનું અંગ છે. કોઈ પણ બાબતનું શિક્ષણ થયું
એમ ત્યારે જ કહેવાય કે જ્યારે વ્યક્તિનું પહેલા જે વર્તન હતું, તેમાં પરિવર્તન આવે કે ફેરફાર થાય. જ્યારે
વ્યક્તિ શિક્ષણ મેળવે છે એટલે કે શીખે છે ત્યારે તેના મૂળભૂત વર્તનમાં ફેરફાર થાય
છે. દા.ત. એક બાળક જ્યારે પ્રથમ વખત સાયકલ ચલાવતા શીખવાનો પ્રયત્ન કરે છે ત્યારે
તેને સાયકલ ચલાવતા આવડી જતી નથી. તે શરૂઆતમાં સાયકલ પર
બેસે છે અને સાયકલ ચલાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે નીચે પડી જાય છે, ફરી ઊઠે છે અને સાયકલ ચલાવે છે. વારંવાર આવા
પ્રયત્નો કરતાં ધીમે-ધીમે સાયકલ પર સમતુલન રાખી પેડલ મારતા
શીખી લે છે. અંતે વારંવારના પ્રયત્નો અને મહાવરાને
કારણે સાયકલ ચલાવતા શીખી લે છે. જેથી તેમના મૂળભૂત
વર્તનમાં પરિવર્તન આવે છે કે ફેરફાર થાય છે. આવા ફેરફારને શિક્ષણ કહેવામાં આવે છે.
3. સાપેક્ષ કાયમી ફેરફાર :
શીખવાની પ્રક્રિયા દ્વારા ઉદ્ભવતા વાર્તનિક પરિવર્તનો વત્તા-ઓછા પ્રમાણમાં સાપેક્ષ કે કાયમી હોય છે. ટૂંક સમય માટે કે ક્ષણિક આવેલા પરિવર્તનોને શિક્ષણ ગણી શકાય નહીં. ઘણી વખત કેંફી પદાર્થો, થાક, કંટાળો, માંદગીની દવાઓ વગેરેને કારણે વ્યક્તિના વર્તનમાં ટૂંક સમય માટે ફેરફારો થતા હોય છે તેને શિક્ષણ કહી શકાય નહીં. કારણ કે તે અનુભવ કે મહાવરાને કારણે આવેલા પરિવર્તન નથી. તદુપરાંત સ્થિર ફેરફાર પણ હોતો નથી.
સામાન્ય રીતે વ્યક્તિએ મેળવેલ શિક્ષણ લાંબા સમય સુધી ટકી રહેતું હોય છે. માનવી કે પ્રાણીના વર્તનમાં લાંબાગાળાના અને સાપેક્ષ કાયમી હોય તેવા ફેરફારોને જ શિક્ષણ તરીકે સ્વીકારવામાં આવે છે. દા.ત. એક વિદ્યાર્થી પ્રથમ વખત કમ્પ્યૂટર પર બેસે છે ત્યારે તેને કમ્પ્યૂટર ચલાવતા આવડતું હોતું નથી. શરૂઆતમાં કી-બોર્ડ પર તેની આંગળીઓ બરાબર કામ કરતી નથી. પરંતુ થોડા દિવસોના પ્રયત્નો બાદ તે કમ્પ્યૂટર બરાબર ચલાવતા શીખી જાય છે. હવે કમ્પ્યૂટર ચલાવતી વખતે તે બાજુમાં બેઠેલી વ્યક્તિ સાથે વાતો કરતાં-કરતાં પણ કામ કરે છે. બીજા દિવસે તે કમ્પ્યૂટર ચલાવવાનું ભૂલી જતો નથી. આથી કહી શકાય કે આ વિદ્યાર્થીમાં આવેલું પરિવર્તન સ્થિર કે કાયમી છે, તેથી તે શિક્ષણ છે.
અહીં એક બાબત યાદ રાખવી જરૂરી છે કે શિક્ષણની પ્રક્રિયામાં સફળતા અને નિષ્ફળતાની પણ અગત્યની ભૂમિકા હોય છે. સફળતા વ્યક્તિને શીખવા માટે પ્રેરિત કરે છે. સાથે સાથે શિક્ષણની પ્રક્રિયા આજીવન ચાલતી પ્રક્રિયા છે. શિક્ષણ એ ફક્ત જ્ઞાન કે માહિતી પૂરતું સીમિત નથી. પરંતુ શિક્ષણ સાથે પરિવર્તન, ગત્યાત્મકતા અને ક્રિયાત્મકતા પણ સંકળાયેલ છે. આથી જ તો કહેવાય છે કે શિક્ષણ એટલે શારીરિક, માનસિક કે આંતરિક સમસ્યાઓને પહોંચી વળવાની પ્રક્રિયા. શાળા કે મહાશાળામાં વિદ્યાર્થીઓ જે શીખે છે તે જ શિક્ષણ એવો મર્યાદિત અર્થ લેવાનો નથી. કારણ કે શિક્ષણની પ્રક્રિયા ઘણી વ્યાપક અને વિસ્તૃત છે.
No comments:
Post a Comment