લગ્નજીવનનું મનોવિજ્ઞાન
લગ્નજીવનના મનોવિજ્ઞાનનો પરિચય (Introduction to Psychology of Marriage Life):
માનવજીવન અને મનોવિજ્ઞાન બન્ને એકબીજાના પૂરક છે. આપણા સમાજમાં માનવીનું સ્વરૂપ સામાજિક-સાંસ્કૃતિક હોવું જોઈએ એવું માનવામાં આવે છે. માનવી સમાજમાં પારસ્પરિક સમાયોજન સાધીને જીવે છે. સમાયોજનવાદી હોવાને કારણે તેનામાં આંતરિક સહાનુભૂતિ વધુ હોય છે, જે મનની શાંતિ અને વૈયક્તિક સુખની સમજણ આપે છે. આ રીતે આપણે કહી શકીએ કે આજે પણ માનવ મનની જટિલતાઓનું શમન કરવું અતિઆવશ્યક જણાય છે. આવી જટિલતાથી મુક્તિ મેળવવામાં મનોવિજ્ઞાન માનવીને ઉપયોગી બને છે.
આજના આધુનિક યુગમાં મનોવિજ્ઞાન તમામ ક્ષેત્રોનું અભિન્ન અંગ બની ગયું છે. મનોવિજ્ઞાને પણ પોતાની વિવિધ શાખાઓને વિકસિત કરી છે. ખાસ કરીને આધુનિક યુગમાં લગ્નજીવન જેવી અતિમહત્ત્વપૂર્ણ બાબતો અને તેની સાથે સંકળાયેલા પાસાંઓ સમજવામાં ઉણા ઉતરે છે. દા.ત. જાતીયતા પ્રત્યે સુગ કે સંકોચ. જાતીયતા લગ્નજીવનનું અભિન્ન અંગ છે. પરંતુ આપણા સમાજના યુવક-યુવતીઓ દ્વારા જાતીયતા કે જાતીયજીવનની બાબતમાં કોઈ પણ પ્રકારની નિખાલસપણે ચર્ચા થતી નથી. આવી ચર્ચા કરવામાં તેઓ એક પ્રકારનો ખચકાટ અનુભવે છે. આથી યુવક-યુવતીઓને માનવજીવનના આવા અતિમહત્ત્વપૂર્ણ પાસાંઓ વિશે વૈજ્ઞાનિક માહિતીની જરૂરિયાત રહે છે. પરંતુ તેમને આવી વૈજ્ઞાનિક માહિતી મળતી નથી એટલે આ બાબતને ધ્યાને લઈને મનોવૈજ્ઞાનિકો ખૂબ ચિંતિત છે. આ ચિંતાના પરિણામે મનોવિજ્ઞાનની એક સ્વતંત્ર શાખા "જાતીયતા અને લગ્નજીવનનું મનોવિજ્ઞાન" વિકાસ પામી છે.
લગ્ન એ માનવજીવનની અતિમહત્ત્વની સામાજિક સંસ્થા છે. માણસ એક સામાજિક પ્રાણી છે, આથી તે સમાજમાં રહે છે. સમાજ વ્યવસ્થાને ટકાવી રાખવા માટે લગ્નસંસ્થાનું હોવું અનિવાર્ય છે. સમાજ વ્યવસ્થામાં લગ્નસંસ્થા કુટુંબસંસ્થાને વધુ મજબૂત બનાવે છે. એક સામાજિક વ્યક્તિ તરીકે સમાજના વિકાસ માટે વ્યક્તિનું લગ્નજીવન સુખી હોય તે જરૂરી છે. કારણ કે સમગ્ર સંસારનો આધાર લગ્નજીવન પર ટકેલો છે. લગ્નજીવન આપણે માનીએ તેટલું સહેલું કે સરળ નથી. લગ્નજીવનમાં ડગલેને પગલે અનેક મુશ્કેલીઓ કે સમસ્યાઓ આવતી રહે છે. આવી મુશ્કેલીઓને કે સમસ્યાઓને દૂર કરવી એટલી જ જરૂરી છે. આથી લગ્નજીવન અને તેના સમાયોજનને સમજવા માટે ‘લગ્નજીવનના મનોવિજ્ઞાન’નો ઉદ્દભવ થયો છે.
No comments:
Post a Comment