Psychological Day

 

વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ

પૂર્વભૂમિકા:

                  માનસિક સ્વાસ્થ્ય એ આજના આધુનિક યુગનો સળગતો પ્રશ્ન છે. રોજિંદી ભાગદોડ અને ભૌતિક સંસાધનોની અછતે માનવીના જીવનને જટિલ બનાવી દીધું છે. પ્રાચીનકાળમાં માનવજીવન ઘણું સરળ હતું. માનવીની જરૂરિયાતો મર્યાદિત હતી. જયારે આજે આપણી જરૂરિયાતો અને ઈચ્છાઓ અમર્યાદિત બની ચૂકી છે. તેના કારણે મનમાં અસંતોષ, ઘૃણા, નફરત વગેરેથી જીવન તનાવપૂર્ણ અને હતાશાગ્રસ્ત બની ગયું છે. આવી પરિસ્થિતિમાં માનવીનું માનસિક સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ બની રહી છે, એટલા માટે માનવજીવનમાં શારીરિક સ્વાસ્થ્યની જેમ જ માનસિક સ્વાસ્થ્ય તરફ પણ ધ્યાન આપવું જરૂરી બન્યું છે.

માનસિક સ્વાસ્થ્ય એટલે શું?

                વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અનુસાર “માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની શારીરિક, માનસિક, સામાજિક તથા આધ્યાત્મિક દ્રષ્ટિએ સારાપણાની અવસ્થા.”
               પ્રસિદ્ધ મનોવિજ્ઞાની જે.સી. કોલમેનના મતે “માનસિક સ્વાસ્થ્ય એટલે તંદુરસ્ત વ્યક્તિત્વ વિકાસ અને માનસિક રોગોના હુમલાથી બચવા માટેનો વ્યવસ્થિત વૈજ્ઞાનિક પ્રયત્ન.”
               જાણીતા મનોવિજ્ઞાની લેડેલના મતે “માનસિક સ્વાસ્થ્ય વાસ્તવિકતાની ધરતી પર વાતાવરણ સાથે યોગ્ય સમાયોજન સાધવાની યોગ્યતા છે.”
                મનોવૈજ્ઞાનિક હેડફિલ્ડના મતે “માનસિક સ્વાસ્થ્ય સમગ્ર વ્યક્તિત્વની સમાયોજિત ક્રિયાશીલતા છે.”
                ટૂંકમાં માનસિક સ્વાસ્થ્યએ ભૌતિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક સુખાકારી અવસ્થા છે. માત્ર રોગની ગેરહાજરી નહી. માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિગત રીતે સારો આધાર(ટેકો) અને સમુદાય માટેની અસરકારક કામગીરી.

માનસિક સ્વાસ્થ્ય માટે આંદોલન/ચળવળ શા માટે?

                    સમગ્ર વિશ્વમાં 10મી ઓક્ટોબરના રોજ “વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. 1992થી દર વર્ષે વર્લ્ડ ફેડરેશન ઓફ મેન્ટલ હેલ્થ અને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઊજવણી કરવામાં આવે છે.
                   માનસિક સ્વાસ્થ્ય શબ્દ સૌપ્રથમ સી.ડબ્લ્યુ. બીયર્સે આપ્યો હતો. 1908માં તેમણે પોતાની આત્મકથાના રૂપમાં “અ માઈન્ડ ડેટ ફાઉન્ટ હરસેલ્ફ” નામનું પુસ્તક લખ્યું હતું. હકીકતે એટલે સી.ડબ્લ્યુ. બીયર્સ પોતે ઉન્મત ખિન્ન તીવ્ર મનોવિકૃતિનો ભોગ બન્યા હતા. સારવાર માટે તેઓ મેન્ટલ હોસ્પિટલમાં ગયા અને સારવાર બાદ પરત ફર્યા ત્યારે માનસિક સ્વાસ્થ્ય અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.આ પુસ્તકે ચિકિત્સાજગતમાં હલચલ મચાવી દીધી હતી અને ત્યારબાદ તેમણે માનસિક સ્વાસ્થ્યમાં મૂળભૂત પરિવર્તન માટે રાષ્ટ્રીય સમિતિની સ્થાપના કરી હતી. રોકફેલર ફાઉન્ડેશનની આર્થિક મદદ લઈને માનસિક રોગીઓને આપવામાં આવતી સગવડોનો અભ્યાસ કર્યો. અભ્યાસ બાદ તેમાં અનેક પ્રકારના સુધારાઓ સૂચવ્યા અને એના માટે માનસિક સ્વાસ્થ્ય આંદોલન કે ચળવળ શરુ કરી હતી. તેમણે જનજાગૃતિ માટે “માનસિક સ્વાસ્થ્ય” નામનું ત્રિમાસિક શરુ કર્યું હતું. જે આજે પણ અવિરત ચાલે છે.
                   તેમના પ્રયત્નોના પરિણામ સ્વરૂપે 1919માં “માનસિક સ્વાસ્થ્ય આંતરરાષ્ટ્રીય સમિતિ”ની સ્થાપના થઇ હતી. આ સમિતિ માનસિક સ્વાસ્થ્ય અંગે યોગ્ય પ્રાથમિક સારવાર આપી માનસિક રોગોની ઘટનાઓ ઓછી કરી વ્યક્તિના માનસિક સ્વાસ્થ્યને વધારવામાં મદદરૂપ બને છે. 1948માં માનસિક સ્વાસ્થ્ય માટે “વિશ્વ માનસિક સ્વાસ્થ્ય સંઘ” (WFMH)ની સ્થાપના કરવામાં આવી હતી.

માનસિક અસ્વસ્થતા ધરાવતી વ્યક્તિના લક્ષણો:

-આવેગિક અસ્થિરતા.
-આત્મવિશ્વાસની ખામી.
-નિરાશાવાદી ભાવના.
-પોતાની ખામીઓ સમજવાની અક્ષમતાઓ.
-બીજાને દોષી માનવાની વૃત્તિ.
-સમાયોજનનો અભાવ.
-બુદ્ધિ અને આવેગની બાબતમાં અપરિપક્વતા.
-કાર્ય અને વ્યવસાયમાં અરુચિ તેમજ યોગ્યતા.
-અસાધારણ જાતીય વર્તન.
-ચિંતાગ્રસ્ત સ્વભાવ.
-ઈર્ષાળુવૃત્તિ.
-સહનશીલતાનો અભાવ.
-અનિયમિત દિનચર્યા.
-સંકુચિત માનસ.
-સહયોગની ભાવનાનો અભાવ.
-જવાબદારીનો અભાવ.
-સામાજિક અકુશળતાઓ.
-બહુવિધ રુચિઓનો અભાવ.

માનસિક સ્વાસ્થ્યને પ્રભાવિત કરતા ઘટકો:

(1). ઘર/કુટુંબ:
-કૌટુંબિક વિઘટન.
-માતાપિતાનું વર્તન.
-ગરીબી
-કુટુંબમાં તનાવ.
-ઘરમાં કડક શિસ્ત.
-વધારે પડતી સુરક્ષા.
-ઉચ્ચ નૈતિક આદર્શો.
-શારીરિક સ્વાસ્થ્ય.
-શારીરિક ખામીઓ.
(2). શાળા-કૉલેજ:
-શાળા કે કોલેજનું વાતાવરણ.
-શિક્ષક કે અધ્યાપકનું વર્તન.
-અયોગ્ય શિસ્તનો આગ્રહ.
-ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ.
-ખામીયુક્ત અભ્યાસક્રમ.
-ખામીયુક્ત પરીક્ષા પદ્ધતિ.
-વધારે પડતી સ્પર્ધાઓ.
-શિક્ષક કે અધ્યાપકનું અસંગઠિત વ્યક્તિત્વ.
-વર્ગમાં અસમાયોજન.
-શાળા કે કોલેજમાં રાજકીય વાતાવરણ.
(3). સમાજ:
-સાંપ્રદાયિકતા.
-અંધવિશ્વાસ.
-રીતરિવાજો.
-સામાજિક સંગઠનો.
-જ્ઞાતિ સંઘર્ષો.
-સામાજિક-આર્થિક ભેદભાવ.
-અસુરક્ષા.
-ધાર્મિક ઉન્માદ.
-વર્ગવાદ.
-કુરિવાજો.
-સામાજિક અસહિષ્ણુતા.
-શિથિલ સામાજિક વ્યવસ્થા.

માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટેની ટિપ્સ:

                 આજે સમગ્ર વિશ્વ જ્યારે માનસિક સ્વાસ્થ્યને ચિંતિત છે ત્યારે માનસિક સ્વાસ્થ્યનું જ્ઞાન વધે અને જાગૃતિ આવે તે જરૂરી છે. તો ચાલો આપણે માનસિક સ્વાસ્થ્ય જાળવવાની કેટલીક ટિપ્સ જોઈએ.
1). પોતાની સમસ્યાઓના ઉકેલ માટે વાસ્તવવાદી બનવું.
2). ઊંચું જીવન ધ્યેય રાખવું.
3). સદા હસતા રહેવું.
4). આવેગોને મર્યાદામાં રહીને અભિવ્યક્ત કરવા.
5). મૂળભૂત વૃત્તિઓનું ઉદર્વીકરણ કરવું.
6). પોતાના તથા અન્યના વ્યક્તિત્વ પ્રત્યે આદર અને સન્માનની લાગણી વિકસાવવી.
7). સારું અને શ્રેષ્ઠ સમાયોજન સાધવું.
8). હળવી કસરતો, ધ્યાન, યોગ, સંગીત વગેરે દ્વારા મનને હળવું કરવું.
9). સારા આંતરવૈયકતિક સંબંધો વિકસાવવા જોઈએ.
10). તમારાં શોખને અનુરૂપ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા રહો.
11). ઘરના વાતાવરણને પ્રફુલ્લિત રાખો.
12). એકબીજાને અનુકૂળ થવાનો પ્રયત્ન કરો.
13). જતું કરવાની ભાવના વિકસાવો.
14). તમારું જિદ્દીપણું છોડો.
15). સારા મિત્રો બનાવો.
16). લાગણીઓના પ્રવાહમાં તણાય ન જાઓ, પરંતુ લાગણીઓને સમજી વિચારીને વ્હેવડાવો.
17). બીજાઓની બુરાઈ જોવાને બદલે તેની સારપ જોવાનો પ્રયત્ન કરો.
18). વિધાયક અભિગમ કે દ્રષ્ટિકોણ અપનાવો.
19). સમસ્યાઓને તમારા પર હાવી ન થવા દો.
20). સૌના કલ્યાણ અને વિકાસની કામના કરો.
21). વૈયક્તિક સ્વાર્થને છોડી સમૂહ કલ્યાણ વિશે વિચારો.
22). ઇર્ષાવૃત્તિનો ત્યાગ કરો.
23). બને તો બીજાને મદદરૂપ બનો.
24). સમાજસેવા અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી નિભાવો.
25). હંમેશાં ખુશ રહેવાનો પ્રયત્ન કરો.
26). મોબાઈલનો બિનજરૂરી ઉપયોગ કરવાનું ટાળો.
27). સેલ્ફી લેવાની ઘેલછા છોડો.
28). સોશ્યલ મીડિયાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરો.
29). પરિવારજનો માટે પૂરતો સમય ફાળવો.
30). કોઈ પણ કાર્ય પોતાની ક્ષમતા મુજબ પ્રેમથી કરો.
                    આવી તો ઘણીબધી ટિપ્સ છે, જે આપણા માનસિક સ્વાસ્થ્યને જાળવવામાં અને સુધારવામાં મદદરૂપ થઇ શકે છે.

ઉપસંહાર:

                   ટૂંકમાં આજે સમગ્ર વિશ્વના દેશો માનસિક સ્વાસ્થ્ય અંગે ચિંતિત છે. ડોકટરો પાસે શારીરિક બીમારીની સારવાર લેવા આવનારા દર્દીઓ માંથી 50%થી વધુમાં તેમની બીમારીમાં માનસિક પરિબળો સંકળાયેલા હોય છે. આથી માનસિક સ્વાસ્થ્ય બાબતે જાગૃતિ આવે તે જરૂરી છે. એટલે જ કહેવાય છે કે 'Prevention is better than cure'.

ડૉ.મયુર વી. ભમ્મર-આહીર ‘કૃષ્ણાર્પણ’
(આસિસ્ટન્ટ પ્રોફેસર-સાયકોલોજી)

_______________________________________________________________________


વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ

મને ખબર છે કે આત્મહત્યા કાયરતા છે, પણ
આવી સ્થિતિમાં જીવવું વધુ મોટી કાયરતા છે.

                ઉપરોક્ત પંક્તિમાં એક હતાશ કે નિરાશ થયેલ વ્યક્તિની મનોવૃત્તિ રજૂ થઇ છે. જે વ્યક્તિઓ આવી મનોવૃત્તિ ધરાવતા હોય છે તેઓ આત્મહત્યા કરવા માટે વધુ પ્રેરાતા હોય છે. આજે આત્મહત્યાના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધતા જાય છે ત્યારે આવી ઘટનાઓને રોકવી અતિ આવશ્યક બની ગઈ છે. આ માટે WHO (વિશ્વ આરોગ્ય સંસ્થા) અને આંતરરાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ સંસ્થા દ્વારા વર્ષ 2003થી દર વર્ષે 10મી સપ્ટેમ્બરના દિવસે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસતરીકે ઊજવવામાં આવે છે. આજે 17મો વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ” 10મી સપ્ટેમ્બર 2019ના રોજ સમગ્ર વિશ્વમાં ઊજવવામાં આવી રહ્યો છે.

આત્મહત્યા એ એક માનસિક બીમારી છે. WHO (વિશ્વ આરોગ્ય સંસ્થા)ના 1994માં પ્રસિદ્ધ થયેલ રીપોર્ટ મુજબ પશ્વિમના દેશોમાં મૃત્યુઆંકમાં આત્મહત્યાનું પ્રમાણ વધારે પડતું જોવા મળે છે. અમેરિકા જેવા પ્રગતિશીલ દેશમાં દર વર્ષે બે લાખ કરતા વધુ લોકો આત્મહત્યા કે આત્મહત્યાનો પ્રયાસ કરે છે. ભારતમાં પણ આત્મહત્યાનું પ્રમાણ નાનુસૂનું નથી. આત્મહત્યા કરવા પાછળ ઘણાં બધા કારણો જવાબદાર છે. તાજેતરના રીપોર્ટ જણાવે છે કે આત્મહત્યાનું પ્રમાણ પ્રૌઢ અને વૃદ્ધોની તુલનામાં યુવાનોમાં વિશેષ જોવા મળે છે, યુવાનોની વિભિન્ન સમસ્યાઓ અને તેના લીધે ઉદભવતા મનોભારને પહોંચી ન વળતા યુવાનો આત્મહત્યા કરવાનું પગલું ભરે છે.

આજના સ્પર્ધાત્મક અને ઝડપી યુગમાં યુવાનો સમક્ષ કૌટુંબિક, સામાજિક, શાળા-કોલેજ, અંગત સમસ્યાઓ વગેરે આવે છે. તેને પહોંચી વળવા યુવાનો સતત પ્રયત્નો કરે છે પરંતુ જયારે તેમાં નિષ્ફળતા મળે છે ત્યારે તેઓ મનોભારનો ભોગ બને છે. આવી પરિસ્થિતિમાં તેઓ વિકલ્પરૂપે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે છે.

આત્મહત્યા એટલે શું?

આત્મહત્યા એટલે પોતાની હત્યા.આત્મ+હત્યા, આત્મ એટલે પોતે, સ્વ. વ્યક્તિ જયારે પોતે જ પોતાની હત્યા કરે છે ત્યારે તેને આત્મહત્યા કહેવાય છે. શાસ્ત્રો મુજબ આત્મહત્યા એક પાપ છે. આથી આત્મહત્યા ન કરવી જોઈએ. કારણ કે આત્મહત્યા કરનારની આત્માને સદગતિ મળતી નથી. પરંતુ મનોવૈજ્ઞાનિકો આત્મહત્યાને એક માનસિક બીમારી માને છે.

પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક આઈઝેન્ક(1974)ના મતે આત્મહત્યા એ વિધ્વંસાત્મક પગલું છે. તેમાં આત્મહત્યા કરનાર અને ભોગ બનનાર બંને એક જ વ્યક્તિ હોય છે. આત્મહત્યા કરનારના રૂપમાં વ્યક્તિ માનસિક રોગી હોય છે. ભોગ બનનારના રૂપમાં તેણે પોતાની રક્ષા કરવાની હોય છે.

રોસ (1974)ના મતે આધુનિક સમયમાં આત્મહત્યાનો ઘટનાક્રમ યુવાનો અને તરુણોમાં વધતો જાય છે. એક નિશ્વિત ઉંમરસીમા સુધી ઉંમર વધવાની સાથે આત્મહત્યા ક્રમ વધે છે. સર્વાધિક આત્મહત્યાના કેસોમાં 25 થી 35 વર્ષની ઉંમર જોવા મળી છે.

આત્મહત્યા અંગે WHOનો 2015નો રીપોર્ટ:

દેશનું નામ અને આત્મહત્યાનું પ્રમાણ

  • શ્રીલંકા: 35.3
  • લીથુઆનિયા: 32.7
  • કોરિયા રિપબ્લિક: 32.0
  • બેલ્જિયમ: 20.5
  • જાપાન: 19.7
  • ફ્રાંસ: 16.9
  • ભારત: 15.7
  • સ્વિડન: 15.4
  • સ્વિત્ઝરલેન્ડ: 15.1
  • અમેરિકા: 14.3

WHOના રીપોર્ટ મુજબ દર વર્ષે 8 લાખ કરતા પણ વધુ લોકો આત્મહત્યા કરે છે. જેમાં દર 40 સેકન્ડે 1 વ્યક્તિ આત્મહત્યા કરે છે.

આત્મહત્યા કરનાર વ્યક્તિના આત્મહત્યા પૂર્વેના લક્ષણો:

વ્યક્તિ જયારે આત્મહત્યા કરવાની હોય છે ત્યારે તેના વર્તનમાં અનેક પરિવર્તનો જોવા મળે છે. જેમાના કેટલાક લક્ષણો નીચે મુજબ છે.

  • આંતરિક સંઘર્ષ:
  • ખિન્નતા કે વિષાદ:
  • આશાહીનતા:
  • તનાવ:
  • સ્વભાવ પરિવર્તન:
  • આવેગશીલતા:
  • હતાશા કે નિરાશા:
  • પોતાનું અવમૂલ્યન:
  • આંતર વૈયક્તિક સંકટ:
  • કુસમાયોજન:
  • ઊંઘમાં વિક્ષેપ:
  • નબળું પ્રત્યાયન:
  • એકલાપણું:
  • મૂડ પરિવર્તન:

આત્મહત્યાના કારણો:

આત્મહત્યાના કારણો નીચે મુજબ છે.

  1. મનોવૈજ્ઞાનિક કારણો:
  2. સામાજિક કારણો:
  3. આર્થિક કારણો:
  4. સાંસ્કૃતિક કારણો:
  5. શારીરિક કારણો:
  6. વારસાગત કારણો:
  7. વ્યક્તિગત કારણો:
  8. અન્ય કારણો:

આત્મહત્યા અટકાવવાના ઉપાયો:

આત્મહત્યા અટકાવવાના ઉપાયો નીચે મુજબ છે.

  • આત્મહત્યાની પ્રવૃત્તિવાળી વ્યક્તિને મદદ, સલાહ કે માર્ગદર્શન પૂરું પાડવું.
  • આત્મહત્યા નિવારણ કેન્દ્રો અને હેલ્પ સેન્ટરો ઉભા કરવા.
  • રોજગારીની તકો ઊભી કરવી.
  • ઘર અને કુટુંબનું વાતાવરણ હળવું, લોકશાહી અને મનોભાર રહિત બનાવવું.
  • આત્મહત્યાનો પ્રયત્ન કરનારને તાત્કાલિક તબીબી સારવાર આપવી.
  • સહનશક્તિમાં વધારો કરવો અને તટસ્થ દ્રષ્ટિકોણ અપનાવવો.
  • હંમેશાં પ્રવૃત્તિમય રહેવું અને ખોટી ઉતાવળ ટાળવી.
  • નાની નાની આનંદ માટેની તકો શોધવી.
  • જતુ કરવાની ભાવના વિકસાવવી.
  • સમયાંતરે માનસિક સ્વાસ્થ્ય કેન્દ્રની મુલાકાત લેતા રહેવું.
  • હતાશાને ખંખેરી ફરી વખત સફળતા માટે પ્રયત્નો કરવા.
  • આત્મહત્યાના વિચારો કરનાર વ્યક્તિની વાતો સંભાળવી અને તેને મદદરૂપ બનવું.
  • અહંપણું કે જીદ્દીપણું છોડવું.
  • વિધાયક વિચારસરણી વિકસાવવી.
  • સમસ્યાઓને સમજવી અને પછી તેને હલ કરવા માટેના પ્રયત્નો કરવા.

ડૉ.મયુર વીભમ્મર-આહીર કૃષ્ણાર્પણ
(આસિસ્ટન્ટ પ્રોફેસર-સાયકોલોજી)




No comments:

Psychology - મનોવિજ્ઞાન - मनोविज्ञान Youtube Channel: http://youtube.com/@frommindtoheartpsychology

મનોવિજ્ઞાન સંબંધિત મહત્વપૂર્ણ જાણકારી વિડીયોના માધ્યમથી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને અવનવા વિડીયો જોતા રહો.  मनोविज्...