ઇવાન પેટ્રોવીચ પાવલોવ
જન્મ: 14 સપ્ટેમ્બર, 1849 રશિયાના રિયાસનના સાઉથ મોસ્કોમાં.
અવસાન: 27 ફેબ્રુઆરી, 1936 સેન્ટ પીટરબર્ગમાં.
પિતા: પેટેર ડીમીટ્રીવીચ.
માતા: ઈવાનોવના ઉસપેન્સડાય.
પત્ની: સારાફીમા વસીલ્યેવ.
કાર્યક્ષેત્ર: શરીરશાસ્ત્રી, મનોવૈજ્ઞાનિક, ચિકિત્સક.
મહત્ત્વનું પ્રદાન: વર્તનવાદ, પ્રશિષ્ટ અભિસંધાન, હદયના મજ્જાતંતુઓનું કાર્ય, પાચનગ્રંથિઓ, મગજના ઉચ્ચ મજ્જાકોષોનું કાર્ય.
સન્માન/પુરસ્કાર: નોબલ પુરસ્કાર (1904).
મુખ્ય રચનાઓ: The Experimental Psychology, Psychopathology of Animals (1904).
જીવનકવન:
મહાન મનોવૈજ્ઞાનિક, શરીરશાસ્ત્રી અને ચિકિત્સક એવા ઇવાન પેટ્રોવીચ પાવલોવનો જન્મ 14 સપ્ટેમ્બર, 1849ના રોજ રશિયાના રિયાસનના સાઉથ મોસ્કોમાં થયો હતો. તેમના પિતાનું નામ પેટેર ડીમીટ્રીવીચ તેમજ માતાનું નામ ઈવાનોવના ઉસપેન્સડાય હતું. તેમના પિતા પેટેર ડીમીટ્રીવીચ એ ચર્ચામાં પૂજારી હતા. પાવલોવે 1864માં ચર્ચ સ્કુલમાં પ્રવેશ મેળવી ત્યાંથી જ 1869માં સ્નાતકની પદવી મેળવી હતી. 1870 થી 1875 સેન્ટ પીટરબર્ગ યુનિવર્સિટીમાં તેમણે અભ્યાસ કર્યો હતો. જ્યાં પ્રો.ક્યુઈ આંગના માર્ગદર્શન હેઠળ “પિત્તાશયની નસોનું નિયંત્રણ” પર સંશોધન પત્ર રજૂ કરી સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. 1875માં પાવલોવ શરીરશાસ્ત્રમાં સ્નાતક થયા. ત્યારબાદ તેમણે વ્યાખ્યાતા તરીકે નોકરી સ્વીકારી હતી. 1879માં સારાફીમા વસીલ્યેવ સાથે તેમના લગ્ન થયા હતા. 1883માં પાવલોવે “હ્દયની અંત:વાહી શક્તિનો સંચય” પર મહાનિબંધ તૈયાર કરી Ph.D.ની પદવી પ્રાપ્ત કરી અને ઈમીરીક્લ અકાદમીનો સુવર્ણચંદ્રક મેળવ્યો હતો.
1878માં પ્રો. પોર્ટરના આગ્રહથી શારીરિક ક્રિયાઓના પ્રયોગાત્મક અભ્યાસમાં જોડાયા હતા અને 10 વર્ષ સુધી આ કાર્ય કર્યું હતું. 41 વર્ષની વયે એમની નિયુક્તિ મેડિકલ એકેડેમીમાં અધ્યાપક તરીકે થઇ હતી.
પાવલોવના મહત્ત્વના કાર્યોમાં હદયના મજ્જાતંતુઓનું કાર્ય, પાચનગ્રંથિઓ, મગજના ઉચ્ચ મજ્જાકોષોનું કાર્ય વખાણવા લાયક હતું. આ ત્રણેય કાર્યોને આગળ વધારવાના પ્રયત્ન સ્વરૂપે તેમણે અભિસંધાન સ્થાપિત કર્યું હતું. પાવલોવે મનોવૈજ્ઞાનિક ઘટનાઓને શરીર વૈજ્ઞાનિક ખ્યાલો સાથે જોડી હતી. ઉત્તેજના, સંયોજન, નિરોધન, સંવાહન વગેરે પાવલોવના મનોવિજ્ઞાનમાં મહત્ત્વ ધરાવતા ખ્યાલો છે. પાવલોવ મૂળ તો શરીરશાસ્ત્રી હતા પરંતુ સંશોધનો કરતા કરતા મનોવિજ્ઞાનમાં પ્રવેશ્યા હતા.
પાવલોવે મનોવિજ્ઞાનને પ્રશિષ્ટ અભિસંધાનનો સિદ્ધાંત આપ્યો છે. તેમણે મનોવ્યાપારોનું શારીરિક દ્દષ્ટિએ અર્થઘટન કરી મનોવિજ્ઞાનને વૈજ્ઞાનિક અને વસ્તુલક્ષી બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
પાવલોવને સર્વપ્રથમ આંતરરાષ્ટ્રીય સન્માન એમના પાચન ક્રિયા સંબંધિત સંશોધનો પર ઇ.સ.1904માં ‘નોબેલ પુરસ્કાર’ એનાયત થયું હતું. આ ઉપરાંત પાવલોવને કોયલી પુરસ્કાર જેવા અનેક સન્માનો પ્રાપ્ત થયા હતા.
પાવલોવને સામાન્ય રીતે પાચન ક્રિયાના શારીરિક પાસાંઓના અભ્યાસમાં રસ હતો. આ દરમિયાન તેમને જોવા મળ્યું કે કૂતરાને ખોરાક આપતા પહેલાં ખોરાકના પાત્રને જોઈને લાળ ઝરવાની પ્રતિક્રિયા શરૂ થઈ હતી. લાળ ઝરવી એ સામાન્ય રીતે ખોરાક હોય ત્યારે થતી પ્રતિક્રિયા છે. આથી તેમણે અભિસંધાનનો પ્રયોગ કર્યો હતો.
કૂતરાના મોંમાં ખાવાનું જોઈને લાળ આવતી હોય છે. પાવલોવે કૂતરાને ખાવાનું આપતી વખતે ઘટંડી વગાડવાનો પ્રયોગ કર્યો. થોડા સમય પછી ખાવાનું ન હોય તો પણ ઘંટડીનો અવાજ સાંભળી કૂતરાના મોમાં લાળ આવતી. પાવલોવે કરેલો આ પ્રયોગ વિશ્વ પ્રસિદ્ધ બન્યો. શારીરિક ક્રિયાઓ કેટલીક બાહ્ય શરતો સાથે જોડાયેલી હોવાનું તેણે સાબિત કર્યું. સતત 12 વર્ષ સુધી પાચન ક્રિયા અને મગજ વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરીને તેઓ વિશ્વપ્રસિદ્ધ થયા હતા.
પાવલોવના ઘણાબધા જાણીતા પુસ્તકો છે. જેમાં The Experimental Psychology, Psychopathology of Animals ખૂબ જ લોકપ્રિય બન્યાં હતા.
આવા મહાન મનોવૈજ્ઞાનિક, શરીરશાસ્ત્રી અને ચિકિત્સક એવા ઇવાન પેટ્રોવીચ પાવલોવનું 27 ફેબ્રુઆરી, 1936ના રોજ સેન્ટ પીટરબર્ગ ખાતે 87 વર્ષની વયે અવસાન થયું હતું અને સમગ્ર વિશ્વે એક મહાન વિભૂતિ ગુમાવી હતી.
પાવલોવનો જાણીતો પ્રયોગ:-
આ પ્રયોગમાં તેમણે સૌપ્રથમ પોતાના કૂતરાને પ્રયોગશાળામાં લાવી સ્ટેન્ડ સાથે બાંધ્યો હતો. આ કૂતરાના મોંમાં ઓપરેશન કરી લાળ ગ્રંથિઓ સાથે નળીઓ જોડવામાં આવી હતી. જેથી લાળગ્રંથિઓ માંથી ઝરતી લાળને માપી શકાય.
પ્રયોગના બીજા ભાગમાં કૂતરાને ભૂખ્યો રાખી પ્રયોગશાળામાં લાવવામાં આવ્યો. કૂતરાના મોંમા રાખેલ નળીઓને બીકરમાં મૂકવામાં આવી. ત્યારબાદ ઘંટડીનો અવાજ કરવામાં આવ્યો અને પછી કૂતરાને ખોરાક આપવામાં આવ્યો. આવું થોડા દિવસો સુધી પુનરાવર્તન કરવામાં આવ્યું. અમુક પ્રયત્નો કર્યા પછી કસોટી પ્રયત્ન લેવામાં આવ્યો. જેમાં ખોરાકની રજૂઆત સિવાયની બધી જ ક્રિયાઓ પૂર્વવત કરવામાં આવી તો ફક્ત ઘંટડીના અવાજની સાથે જ કૂતરાના મોં માંથી લાળ ઝરવાનું શરૂ થયું હતું.
અહીં ખોરાક અનઅભિસંધિત ઉદ્દીપક UCS અને લાળ ઝરવાની પ્રતિક્રિયા અનઅભિસંધિત પ્રતિક્રિયા UCR છે. ઘંટડીનો અવાજ અભિસંધિત ઉદ્દીપક CS તથા ઘંટડી વડે લાળ ઝરવી એ અભિસંધિત પ્રતિક્રિયા CR છે.
અભિસંધાન પહેલા:
ઘંટડીનો અવાજ---- સાવધ થવું.
અભિસંધાન દરમિયાન:
ઘંટડીનો અવાજ + ખોરાક= લાળ ઝરવી.
અભિસંધાન પછી:
ઘંટડીનો અવાજ-------- લાળ ઝરવી.
ટૂંકમાં પ્રશિષ્ટ અભિસંધાન ઉદ્દીપક-ઉદ્દીપક શિક્ષણ છે. જેમાં એક ઉદ્દીપક બીજા ઉદ્દીપક માટે સંકેત બને છે.
No comments:
Post a Comment