સામાજિક મીડિયા વ્યસન
આજનો આધુનિક યુગ એ જ્ઞાન અને માહિતીનો યુગ છે. વિશ્વએ છેલ્લા કેટલાક સમયમાં અદ્વિતીય પ્રગતિ કરી છે. વિશ્વ આજના સમયમાં અનેક ટેક્નોલોજીનો ઉપયોગ કરી અઢળક પ્રકારની શોધખોળો કરી છે. વિશ્વને એકબીજા સાથે જોડી રાખતું એક નેટવર્ક એટલે ઈન્ટરનેટ. ઈન્ટરનેટની માયાજાળ આખા વિશ્વમાં ફેલાય ચૂકી છે. સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ ઈન્ટરનેટનો ઉપયોગ કરતી થઈ છે. આવી ઈન્ટરનેટની માયાજાળનો જ એક ભાગ જેને સોશિયલ નેટવર્ક કે સોશિયલ મીડિયા તરીકે ઓળખવામાં આવે છે. તેના પરિણામ સ્વરૂપે કોઈ પણ પ્રકારની ભૌગોલિક સીમા વગર સમગ્ર વિશ્વમાં પથરાયેલી અને આજના વિશ્વની આગવી ઓળખ બની ચૂકેલ એક ટેક્નોલોજી એટલે સોશિયલ મીડિયા. સંચાર માધ્યમોનો વિકાસ માનવીય સભ્યતાના વિકાસક્રમ સાથે સંબંધિત છે. જે રીતે સભ્યતા અને ટેકનિક્લ જ્ઞાનનો વિકાસ થતો ગયો તેમતેમ સંચારના નવા નવા માધ્યમોનો ઉપયોગ થવા લાગ્યો છે. સામાન્ય રીતે જોઈએ તો સોશિયલ મીડિયાનો ઉપયોગ વર્ષોથી થતો આવ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વિવિધ સોશિયલ સાઈટ્સનો ઉદ્દભવ થયો છે. જેથી આ ક્ષેત્રમાં ક્રાંતિની શરૂઆત થઈ.
સોશિયલ મીડિયા એ ઈન્ટરનેટ પર આધારિત એપ્લિકેશન્સનું જૂથ છે કે જે ઉપયોગકર્તા દ્વારા તૈયાર કરવામાં આવતા વિષયવસ્તુનું આદાનપ્રદાન કરવાની તક પૂરી પાડે છે. કારણ કે સોશિયલ મીડિયા સંવાદ અને પ્રતિસંવાદનું ખૂબ જ શક્તિશાળી માધ્યમ છે. ઉપયોગકર્તા તેની મદદથી વિષયવસ્તુને વહેંચી શકે છે, ચર્ચા કરી શકે છે અને તેમાં સુધારો પણ કરી શકે છે. સોશિયલ મીડિયા એ એક એવી વેબસાઈટ છે જે માત્ર માહિતી પૂરી પાડતું નથી, પરંતુ માહિતી પૂરી પાડતી વખતે એકબીજાને જોડી રાખે છે.
સામાજિક મીડિયા આજના સમયની જરૂરિયાત છે. પણ તેનો અતિરેક તમારા સામાજિક જીવન, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે. છે. સામાજિક મીડિયાના ઉપયોગ વડે તમે તમારી માહિતી અને લાગણીઓનું સરળતાથી આદાનપ્રદાન થઈ શકે છે. સામાજિક મીડિયાનો મનોરંજન માટે પણ કરી શકાય. પરંતુ સામાજિક મીડિયા વ્યસન ન બની જાય તેનું ધ્યાન રાખવું ઘટે.
સોશિયલ મીડિયા વ્યસન એ એક એવી લત છે કે જેના વગર વ્યક્તિ રહી સકતી નથી અને તેના અભાવથી પોતાના જીવનમાં ખાલીપો અનુભવે છે. વ્યક્તિ પોતાનો મોટાભાગનો સમય વર્ચ્યુલ કે કાલ્પનિક સંબંધો પાછળ વ્યતિત કરે છે. કારણ કે સોશિયલ મીડિયા પ્રત્યાયન માટેનું ખૂબ જ શક્તિશાળી માધ્યમ છે. ઉપયોગકર્તા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી પોતાની વિષયવસ્તુને વહેંચી શકે છે કે તેના પર ચર્ચા કરી પણ શકે છે. પરંતુ જયારે સોશિયલ મીડિયાનો વધારે પડતો ઉપયોગ થવા માંડે છે ત્યારે વ્યક્તિ વાસ્તવિક દુનિયાને ભૂલી જાય છે. કાલ્પનિક દુનિયામાં ગરકાવ થઈને વ્યક્તિ તેનો વ્યસની બની જાય છે. આ વ્યસન એટલું જબરદસ્ત હોય છે કે વ્યક્તિ તેનો અભાવ સહન કરી સકતી નથી અને બેચેનીનો અનુભવ કરવા માંડે છે. સાથે સાથે વ્યક્તિ સમાજથી અલિપ્ત થવા માંડે છે. આમ સોશિયલ મીડિયા માનવી માટે માહિતીના આદાનપ્રદાનનું માધ્યમ છે. પરંતુ જયારે તેનો વધારે પડતો ઉપયોગ વ્યક્તિના વૈયક્તિક અને સામાજિક જીવનમાં અવરોધક બની જાય ત્યારે તેને સોશિયલ મીડિયાના વ્યસન તરીકે પરિભાષિત કરવામાં આવે છે.
ડૉ.મયુર વી. ભમ્મર-આહીર "કૃષ્ણાર્પણ"
આસિસ્ટન્ટ પ્રોફેસર
No comments:
Post a Comment