Child psychology

 

બાળ મનોવિજ્ઞાન

v પૂર્વભૂમિકા (Introduction):

બાળ મનોવિજ્ઞાન બાળકના ગર્ભાધાનથી પુખ્તાવસ્થા સુધીના વિવિધ તબક્કાઓ દરમિયાન થતાં વર્તનો અને વિકાસનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. બાળ મનોવિજ્ઞાનમાં થયેલ આધુનિક વૈજ્ઞાનિક અભ્યાસોએ બાળક અંગેના પરંપરાગત ખ્યાલોને છોડી આધુનિક ખ્યાલો અપનાવવા પર ભાર મૂક્યો છે. બાળ મનોવિજ્ઞાનના વિકાસમાં જી.સ્ટેનલી હોલ, એલિઝાબેથ હરલોક, ગેસેલ ગોડાર્ડ, રૂસો, પેસ્ટોલોઝી, ઇંગ્લિશ અને ઇંગ્લિશ, . ટી. જર્સિલ્ડ વગેરેનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેલું છે.

બાળ મનોવિજ્ઞાનમાં અદ્વિતીય યોગદાન આપવાને કારણે જી. સ્ટેનલી હોલને 'બાળ મનોવિજ્ઞાનના પિતા' તરીકે ઓળખવામાં આવે છે. તેમણે 1883માં "Contents of Children's Mind on Entering School" નામનું વિશ્વપ્રસિદ્ધ પુસ્તક પ્રકાશિત કર્યું હતું . ઉપરાંત 'Seminary' નામના સામયિક દ્વારા મનોવિજ્ઞાનનો પ્રચાર-પ્રસાર કર્યો હતો. બાળ મનોવિજ્ઞાનના વિકાસમાં એચ.બી. ઇંગ્લિશનું "Dynamics of Child Development" પુસ્તક પણ સીમા ચિહ્નરૂપ સાબિત થયું હતું.

v બાળ મનોવિજ્ઞાન એટલે શું? (What is Child Psychology?)

આધુનિક યુગ બાળકેન્દ્રી યુગ છે. યુગમાં બાળમાનસને સમજવાના વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ સાથે પ્રયત્નો થઇ રહ્યા છે. બાળમાનસને સમજવા તથા તેનો અભ્યાસ કરવા માટે વિવિધ અભ્યાસ પદ્ધતિઓનો ઉપયોગ કરી ઉંડાણપૂર્વક જાણકારી મેળવવામાં આવે છે. આજના આધુનિક શિક્ષણમાં પણ બાળકને કેન્દ્રમાં રાખી વિવિધ શિક્ષણ તરેહો વિકસાવવામાં આવી રહી છે. તેના પરિણામ સ્વરૂપે મનોવિજ્ઞાન દ્વારા પોતાની એક આગવી અને વિશિષ્ટ એવી 'બાળ મનોવિજ્ઞાન' નામની શાખા વિકસાવી છે.

બાળ મનોવિજ્ઞાન બાળકના જન્મ પૂર્વેથી માંડીને કિશોરાવસ્થા સુધીના પ્રારંભિક વર્ષોના તબક્કાઓનો અભ્યાસ કરે છે. જેમાં બાળવિકાસ અને પરિપક્વતાની ભિન્ન ભિન્ન ભૂમિકાઓ, વિકાસના વ્યક્તિગત માળખા ઉપર વાતાવરણની અસર તેમજ બાળક તથા સમાજ વચ્ચેની મનોવૈજ્ઞાનિક અને સામાજિક આંતરક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવે છે. જુદાં-જુદાં મનોવૈજ્ઞાનિકોએ બાળ મનોવિજ્ઞાનની જુદી જુદી રીતે વ્યાખ્યાઓ રજૂ કરી છે. તેમાની કેટલીક મહત્ત્વપૂર્ણ વ્યાખ્યાઓ નીચે મુજબ છે.

"બાળ મનોવિજ્ઞાનનો ઉદ્દભવ બાળકના વૈજ્ઞાનિક અભ્યાસના ખ્યાલમાંથી થયો છે."

- વોટ્સન (Psychology of the Child)

"બાળ મનોવિજ્ઞાન ભૃણ અવસ્થાથી (જન્મપૂર્વેથી) માંડીને તરુણાવસ્થા સુધીના સળંગ વિકાસનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતું વિજ્ઞાન છે."

- ક્રો અને ક્રો (Child Psychology).

"બાળ મનોવિજ્ઞાન ગર્ભાવસ્થાથી માંડીને પુખ્તાવસ્થા સુધીના બાળકના વિકાસ અને વર્તનનો અભ્યાસ કરે છે."

- એલિઝાબેથ હરલોક.

ટૂંકમાં, ઉપરોક્ત ચર્ચાના આધારે કહી શકાય કે બાળ મનોવિજ્ઞાન બાળકના જન્મ પૂર્વેથી શરૂ કરીને યુવાવસ્થામાં પ્રવેશ સુધીના બાળકના વિવિધ વર્તનો તથા સર્વાંગી વિકાસનો વૈજ્ઞાનિક અને પદ્ધતિસર રીતે અભ્યાસ કરતી મનોવિજ્ઞાનની એક આધુનિક વિદ્યાશાખા છે. જેનું મુખ્ય ધ્યેય બાળકને કેન્દ્રબિંદુ બનાવી બાળકના વર્તન અને વિકાસનો સંપૂર્ણ અભ્યાસ કરવાનું છે.

 

No comments:

Psychology - મનોવિજ્ઞાન - मनोविज्ञान Youtube Channel: http://youtube.com/@frommindtoheartpsychology

મનોવિજ્ઞાન સંબંધિત મહત્વપૂર્ણ જાણકારી વિડીયોના માધ્યમથી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને અવનવા વિડીયો જોતા રહો.  मनोविज्...