Friday, 27 September 2024

Psychology - મનોવિજ્ઞાન - मनोविज्ञान Youtube Channel: http://youtube.com/@frommindtoheartpsychology

મનોવિજ્ઞાન સંબંધિત મહત્વપૂર્ણ જાણકારી વિડીયોના માધ્યમથી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને અવનવા વિડીયો જોતા રહો.

 मनोविज्ञान संबंधित महत्वपूर्ण जानकारी वीडियो के माध्यम से प्राप्त करने के लिए हमारी यूट्यूब चैनल को सब्सक्राइब करे।

http://youtube.com/@frommindtoheartpsychology

Sunday, 25 February 2024

'ના' પાડવાની કળાઃ એક મનોવૈજ્ઞાનિક ખ્યાલ "THE ART OF GIVING ‘NO’: A PSYCHOLOGICAL CONCEPT"


'ના' પાડવાની કળાઃ એક મનોવૈજ્ઞાનિક ખ્યાલ
--------------------------------------------------------

                   માનવી એક સામાજિક પ્રાણી છે. માનવી સમાજમાં રહીને સામાજિક સંબંધો બાંધે છે અને સંબંધો વિકસાવે છે. માનવીએ સંબંધો જાળવવા માટે ઘણી બધી આંતરક્રિયાઓ કરવી પડે છે. આ આંતરક્રિયાઓ દરમ્યાનના તેમના વ્યવહારનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. માનવીએ કોની સાથે કેવો અને કઈ રીતે વ્યવહાર કરવો તેના પર તેમના સંબંધોનો આધાર રહેલો છે. આ વ્યવહાર દરમ્યાન તેમણે કેટલીક બાબતોનો ખ્યાલ રાખવો જરૂરી બની જાય છે. દુનિયામાં મોટાભાગનાં માનવીઓની સૌથી મોટી તકલીફ 'ના' પાડવી એ છે. તેઓ બીજાને કોઇપણ બાબતમાં 'ના' પાડી શકતા નથી, તેથી ઘણી વખત તેઓ મુશ્કેલીમાં મુકાય જાય છે. યોગ્ય સમયે 'ના' પાડવી જરૂરી બની જાય છે. બીજાઓની લાગણીઓ પ્રત્યે સંવેદનશીલ બનવા સાથે આપણી પોતાની વ્યક્તિગત મૂલ્યનિષ્ઠા કે એકતાને ટકાવી રાખવી ખૂબ જ જરૂરી છે. સામેની વ્યક્તિ ખોટી છે ત્યારે તેની સાથે અસહમતી દર્શાવવાની હિંમત પણ આપણામાં હોવી જોઈએ. આપણે આપણી માન્યતાની બાબતમાં મક્કમ રહિવું જોઈએ. મિત્રતાપૂર્ણ સંબંધો બાંધવા, વિકસાવવા અને ટકાવવાની કુનેહ આપણે વિકસાવવી જરૂરી છે. આપણને ગમતી ન હોય એવી વ્યક્તિઓ સાથે જવું પડે, અણગમતી જવાબદારી ઉઠાવવી પડે, અણગમતી વસ્તુ ખરીદવી પડે. આવી તો અનેક મુશ્કેલીઓ આવી પડે છે. તેને કારણે અસંતોષ, ગુસ્સો, તનાવ, લાચારી અનુભવવા પડે છે. કારણ કે તે આપણને ઘણા અણગમતા કાર્યો કરવાની ફરજ પાડે છે, તેમજ આપણા સ્વભાવનો ગેરલાભ ઉઠાવે છે. ખરેખર તો જો તમે સુક્ષ્મ અવલોકન કરશો તો ખ્યાલ આવશે કે જો આપણામાં 'ના' પાડવાની ક્ષમતા હોત તો આ સમસ્યાને દૂર કરી શકયા હોત.
                  સામાજિક દબાણને વશ થઇને, કોઇ આપણા પર ગુસ્સો કરશે, સામાજિક આધાર નહીં મળે કે વેરવૃતિ રાખશે એવા ડરથી આપણે 'ના' પાડવાનું ટાળીએ છીએ. તો ઘણી વખત આપણે પરાનુભુતિવશ 'ના' પાડતા નથી. આપણે આપણી તેના સ્થાને જેવી પરિસ્થિતિમાં મૂકીને તેની જેમ જ દુઃખનો અનુભવ કરીએ છીએ. મોટાભાગે માનવ સામાજિક સંબંધોની બાબતમાં જેમ જેમ પરિપક્વ બની છે તેમ તેમ તેને સમજણ આવે છે કે દરેક વખતે અસ્પષ્ટ ‘હા’ કહેવા કરતા મક્કમ ‘નાં’ કહી દેવી જોઈએ. પ્રત્યેક માનવીને વધારે પડતી માંગણીઓથી પોતાની જાતને બચાવવા માટે ‘નાં’ પાડવાનો જન્મસિદ્ધ અધિકાર છે. આથી જો આપણને એમ લાગે કે આપણે અણગમતી પરિસ્થિતિમાં મૂકાવાના છીએ તો નમ્રતાપૂર્વક 'ના' પાડવી જોઇએ. તેનાથી અણગમતી પરિસ્થિતિ અને અણગમતા સંબંધો નિવારી શકાય. આપણા નજીકના મિત્રો, સ્નેહીઓ, સંબંધિઓ, વડીલો વગેરેની બાબતમાં શાંતિપૂર્વક પ્રેમથી 'ના' પાડીને ઘણી સમસ્યાઓને નિવારી શકાય.
                      ઘણી વખત આપણે ‘નાં’ પાડવાને બદલે સ્વીકાર્ય વિકલ્પની પસંદગી કરતા હોઈએ છીએ. દા.ત. કોઈ વ્યક્તિ આપણને કોઈ પ્રસંગે આવવા માટેનું આમંત્રણ આપે તો આપણે તેને ‘નાં’ કહેવાને બદલે અત્યારે તો હું થોડો વ્યસ્ત છું, પરંતુ ભવિષ્યમાં આપને ત્યાં કોઈ પ્રસંગે જરૂર આવીશ એવું કહીએ છીએ. જેથી તેમને ખોટું ના લાગે. પરંતુ દરેક વખતે આવા વિકલ્પો આપણી પાસે હોતા નથી. આથી આપણા નજીકના મિત્રો, સ્નેહીઓ, સંબંધીઓ, વડીલો વગેરેને આવી બાબતોમાં શાંતિપૂર્વક પ્રેમથી 'ના' પાડવી જોઈએ. સાથે સાથે ‘ના’ પાડવાની કળા વિકસાવવાનો પ્રયત્ન કરતા રહેવું જોઈએ, જેથી ભવિષ્યમાં આવનારી અને ઘણી બિનજરૂરી સમસ્યાઓને નિવારી શકાય. મનોવિજ્ઞાન આપણને અસરકારક સમાયોજન કઈ રીતે સાધવું તે શીખવાડે છે. મનોવિજ્ઞાનના જ્ઞાનનો સહારો લઇ આપણે આપણામાં આવા જીવન જરૂરી કૌશલ્યો વિકસાવવા જોઈએ. કારણ કે અસરકારક સમાયોજન આજની જરૂરિયાત બની ગઈ છે.

-ડૉ.મયુર વી. ભમ્મર-આહીર
આસિસ્ટંટ પ્રોફેસર (સાયકોલોજી)
ગવર્મેન્ટ આર્ટસ કોલેજ, રાણાવાવ (પોરબંદર)
મો:8200602526
Email: psychology.mayur@gmail.com



Psychology - મનોવિજ્ઞાન - मनोविज्ञान Youtube Channel: http://youtube.com/@frommindtoheartpsychology

મનોવિજ્ઞાન સંબંધિત મહત્વપૂર્ણ જાણકારી વિડીયોના માધ્યમથી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને અવનવા વિડીયો જોતા રહો.  मनोविज्...